બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત બનાસકાંઠામાં 29 હજારથી વધુ બાળકોનો પુનઃ શાળા પ્રવેશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
બનાસકાંઠા

બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત બનાસકાંઠામાં 29 હજારથી વધુ બાળકોનો પુનઃ શાળા પ્રવેશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

ABC News 24
schedule 5 min read

બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત બનાસકાંઠામાં 29 હજારથી વધુ બાળકોનો પુનઃ શાળા પ્રવેશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ મુખ્યમંત્રીનો વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ, શિક્ષણથી જ જીવનમાં વિકાસનો માર્ગ ખુલશે બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડનારા વિદ્યાર્થીઓ ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘બેક ટુ સ્કૂલ મિશન’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃપ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં મોટા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી. બનાસકાંઠાના તેનીવાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પુનઃપ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને મેન્ટર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ બાળકો સાથે સહજતાથી વાતચીત કરી તેમના અભ્યાસ, શાળા છોડવાના કારણો અને ભવિષ્યના સપનાઓ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, શિક્ષણ જીવન બદલવાનું સૌથી મોટું સાધન છે. નિયમિત શાળાએ જવું, મહેનતથી અભ્યાસ કરવો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જરૂરી છે. તેમણે ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભાવના છે કે રાજ્ય અને દેશનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. આ જ વિચારધારા સાથે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી લોકભાગીદારી આધારિત પહેલો શરૂ કરવામાં આવી હતી, જેના પરિણામે શિક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, હવે શિક્ષકોની જવાબદારી માત્ર બાળકોને ભણાવવાની નથી પરંતુ શાળા છોડનારા બાળકોને શોધી ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડવાની પણ છે. શિક્ષણ દ્વારા જ વ્યક્તિ, પરિવાર અને સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. આ પ્રસંગે એક લાભાર્થી દીકરી સુહાનીએ મુખ્યમંત્રી સાથેની વાતચીત અંગે ખુશી વ્યક્ત કરી હતી. સુહાનીએ જણાવ્યું હતું કે, ધોરણ-10 દરમિયાન તેણે અભ્યાસ છોડી દીધો હતો, પરંતુ શિક્ષકો ઘરે આવીને સમજાવ્યા બાદ ફરીથી અભ્યાસ શરૂ કર્યો અને બોર્ડની પરીક્ષા પાસ કરી. હાલ તે ધોરણ-11માં અભ્યાસ કરી રહી છે. મુખ્યમંત્રી સાથે વાતચીત બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે તે નિયમિત અભ્યાસ કરીને પોતાના સપના સાકાર કરવા માટે પ્રયત્ન કરશે. બનાસકાંઠા જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ મિશન’ હેઠળ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 દરમિયાન વિવિધ કારણોસર શાળા છોડનારા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જિલ્લામાં કુલ 37,415 ડ્રોપઆઉટ બાળકોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 29,451 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. તેમાં 14,875 કુમારો અને 14,576 કન્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી 23,032 વિદ્યાર્થીઓને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) સાથે જોડવામાં આવ્યા છે, જ્યારે 6,368 વિદ્યાર્થીઓને નિયમિત શાળાઓમાં પુનઃપ્રવેશ આપવામાં આવ્યો છે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward